આજના દોડધામ ભર્યા સમયમાં આપણામાંના ઘણા ખરા જીવનની વિવિધ જરૂરીયાતોને પહોંચી વળવા બાહ્ય જગતમાં એટલા તો વ્યસ્ત રહેવા લાગ્યા છે; પરિણામે મૂંઝવણો, નિરાશા અને છેવટે એકલતાનો અનુભવ આપણે કરતા હોઈએ છીએ. તે સમયે વ્યક્તિ પોતાની અંગત પરિસ્થિતિઓ કોઈને ન સમજાવી શકે કે ના કોઈ સમજી શકનાર હોય, આવી સ્થિતિને વર્ણવવી આપણા માટે ય અશક્ય છે. ત્યારે બાળક માટે તો આવી પરિસ્થિતિઓ જીવનમાં મોટા પડકાર સમી સાબિત થતી હોય એ સ્વાભાવિક છે. બાળકોને, તેમના ભાવજગતને સમજવામાં રહેતી તેના પરિવારની કચાશ અને જાણતા-અજાણતા તેની આસપાસના સામાજિક પરિબળોને પરિણામે તેમના જીવનમાં વિચારોની મૂંઝવણો ને લાગણીઓની ગુંચવણોના બીજ રોપાઈ જતાં હોય છે.
આજ પ્રકારની પરિસ્થિતિઓનો પડકાર ઝીલી ચૂકનાર પાંચ વર્ષના ડિબ્સની એકલતા અને નિરાશાથી શરૂ કરીને પોતાના સ્વને શોધવાની સફર આપણને બાળ ઉછેરના મહત્ત્વના પાઠ સમજવામાં મદદરૂપ થાય તેમ છે. જાણીતા મનોચિકિત્સક ડૉ. વર્જીનીઆ ઑક્ઝલીને પ્લે થેરાપીના માધ્યમ દ્વારા ડિબ્સ માટે જે કામગીરી કરી તેની નોંધ “ડિબ્સ ઇન સર્ચ ઓફ સેલ્ફ’ માં કરેલ છે. તેમના બિનશરતી પ્રેમના બળે ડિબ્સ મૂંઝવણોમાં કેદ થયેલી પોતાની સાચી ઓળખને શોધવાનું ખેડાણ કરી શક્યો.
ડિબ્સ એક એવો પાંચ વર્ષનો છોકરો છે જે શાળામાં કોઈ સાથે ભળતો નથી, બસ ચૂપચાપ બેસી રહે છે. વર્ગખંડમાં ચાલતી કોઈ પ્રવૃતિમાં રસ લેતો નથી. કોઈ સાથે પણ આંખ મેળવી વાત કરતો નથી. એકલો-એકલો પુસ્તકો જોયા કરે, તો ક્યારેક ટેબલ પાછળ સંતાય જતો ને વર્ગખંડની દીવાલોને એકદમ અડીને બેસી રહેતો. ક્યારેક પોતાનાં જ ક્લાસના મિત્રોને મારી પણ બેસતો. તેમ છતાં નવાઈની વાત એમ હતી કે ડિબ્સને શાળાથી ઘરે જવું બિલકુલ પસંદ નહોતું. શાળા છૂટવાના સમયે તે વર્ગખંડના એક ખૂણામાં સંતાયેલો રહે છે, અને ખૂબ ધમ પછાડાંને અંતે ઘરે પાછા જવા તૈયાર થતો હોય છે. એક ખૂબ સારા કહી શકાય તેવા પરિવારમાંથી આવવાં છતાં પણ આ પ્રકારની ડિબ્સની વર્તણૂક ઘણાં પ્રશ્નો ઊભા કરે છે. ઘરનું વાતાવરણ બાળક માટે તણાવ ભર્યું હતું અને તેમાંય માતાના ઠંડા અને ઉગ્ર વર્તનની ઉંડી અસર તેના પર એવી પડી કે ઘરે જવું બાળકને પસંદ નથી, સાથે શાળાની દરેક પ્રવૃતિઓમાં ભાગ લેવામાં પણ સંકોચ અનુભવે છે. ક્યારેક તે માનસિક રીતે અક્ષમ હોય તેમ વર્તતો તો ક્યારેક કઇંક એવું કરી નાંખતો કે સૌ માટે આશ્ચર્યની વાત બની રહેતી. આથી માતાપિતા, શાળાના શિક્ષકો, કાઉન્સેલર અને બાળરોગ નિષ્ણાતો પણ ડિબ્સની સ્થિતિને તેની જરૂરિયાતોને એટલી અસરકારકતાથી સમજી નહોતા શકતા.

જ્યારે માતાપિતા ડિબ્સ કશુંક કરી શકશે તેની આશા છોડી ચૂક્યા હતા અને ડિબ્સ પણ પોતે ભોગવી રહેલા સંજોગો સાથે સમાધાન કરી ચૂક્યો હતો, ત્યારે બાહ્ય વાતાવરણની અપેક્ષાઓના ભાર નીચે દબાય ગયેલા આ બાળકના જીવનમાં એક ખૂબ સ્નેહાળ થેરાપીસ્ટ વર્જીનીઆનો પ્રવેશ થાય છે, અને તેમના વચ્ચે જે સરળ આંતરક્રિયાનો સંબંધ બંધાય છે, જે છેવટે ડિબ્સને પોતાનો સાચો પરિચય કેળવવામાં મદદરૂપ થાય છે.
જાણવામાં રસ પડે કે એવો તો શું જાદુ થેરાપિસ્ટ બહેને કર્યો કે આ બાળક ડર, સંકોચ, અવિશ્વાસ અને હતાશાની અભેદ દીવાલને પણ ભેદી જઈને એક સહજ જીવન જીવતો થઈ ગયો. તો આ જાદુ બસ તેને આપવામાં આવેલા બિનશરતી પ્રેમ, આદર અને તેનામાં મૂકવામાં આવેલી અતૂટ શ્રધ્ધાનો હતો. પ્લે થેરાપી દરમ્યાન આપવામાં આવતી મોકળાશમાં તે ધીરે ધીરે પોતાની ઓળખના મૂળભૂત તત્ત્વોને શોધી શક્યો. અન્યો પાસેથી પોતે કોણ છે, શું કરી શકે છે તે જાણવાને બદલે તેને પોતાને શું કરવું છે તે માટેના નિર્ણયો લેતા થઈ ગયો. છેવટે થેરેપિસ્ટ અને માતાપિતાના સહિયારા પ્રયાસથી તે ભાવનાત્મક ગૂંગળામણમાંથી બહાર નીકળી શક્યો. સામાન્ય રીતે માનસિક રીતે વિકલાંગ લાગતું આ બાળક હકીકતમાં ખૂબ હોશિયાર અને લાગણીશીલ હતું, બસ જરૂર હતી તો પ્રેમ ભર્યા હૂંફની.
મિત્રો, ક્યાંક ડિબ્સના કિસ્સાની જેમ આપણે પણ જાણે-અજાણે બાળકોના દેખીતા વર્તન પર વધુ ધ્યાન આપી બેસતા હોઇએ છીએ. તેની ઈચ્છા, આવડત અને કેવી રીતે તે અન્યોથી ભિન્ન છે તે જોવાને બદલે તેની મર્યાદાઓને સુધારવાના પ્રયત્નોમાં લાગેલાં રહીએ છીએ. પરિણામે એ ભૂલાતું જાય છે કે વિચિત્ર લાગતા બાહ્ય વર્તનની પાછળ પણ એક અત્યંત બુદ્ધિશાળી અને સંવેદનશીલ બાળક છુપાયેલું છે. તે પ્રકૃતિએ ભવિષ્યમાં અનન્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી ક્ષમતાઓ સાથે તૈયાર કરેલા કૌતુક સમાન હોય છે; પણ તેના પર થતાં ભાવનાત્મક ઘા અને પરિવાર, શિક્ષણ વ્યવસ્થા કે સમાજનો નફરત ભર્યો વ્યવહાર તેને શૂન્ય તરફ ધકેલી દે છે.
આ શૂન્યતામાંથી બાળકને બહાર લાવવા ત્રણ-ચાર બાબતો મહત્ત્વની સાબિત થાય તેમ છે – બિનશરતી પ્રેમ, સ્વતંત્રતા, આદર અને તેનામાં મૂકવામાં આવતી અતૂટ શ્રધ્ધા. કોઈ પણ પૂર્વ શરત રાખ્યા વિના જ્યારે બાળકને પ્રેમ આપીએ છીએ, ત્યારે આ પ્રેમ બાળકને પોતે સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે છે. પરિણામે તે કોઈને ખુશ કરવા કે કોઇની નજરમાં સારા બનવા માટેના પ્રયત્નોમાં લાગ્યા રહેવાને બદલે પોતાને ગમતું કરી શકે છે.
બાળક ત્યારે જ વધારે મૂંઝવણ અનુભવે છે જ્યારે તેને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપણે અગાઉથી જ નક્કી કરીને રાખ્યા હોય છે. “કોઈક પૂછે કે બેટા શું બનીશ તું, બાળક બોલે તે પહેલા કહેવાય જાય આ તો બહુ હોશિયાર છે માટે એન્જિનિયર બનશે.” – અહીં જાણતા-અજાણતા આપણી અપેક્ષાઓનો ટોપલો બાળકના માથે આપી બેસતા હોઇએ છે. હોશિયાર અને ડફોળના લેબલ આપીને બાળકોની ક્ષમતાઓને રૂંધવી તો ન જ જોઈએ. માટે અગાઉથી મારા બાળકને શું કરવું ગમશે ને એને શું કરવું જોઈએ તેની ધારણા બાંધ્યા વગર તેને પોતાને શું કરવું ગમશે તેનો નિર્ણય કરવા દેવો જોઈએ. આપણી અને સમાજની જ અપેક્ષાઓ પ્રમાણે જો બાળક વર્તવા લાગ્યું તો તેની નિખાલસતા ક્યાંક આ દંભી વર્તણૂક પાછળ દબાઈને રહી જશે. અવનવા પ્રયોગો અને અનુભવો કરવાની મોકળાશ હશે ત્યારે જ તો તેને ખરેખર શું કરવું છે તે ઓળખી શકશે. જેમ બાળક સ્વતંત્રતા મળવા ને પાત્ર છે તેમ જ તેના કામ અને વિચારને આદર આપવો જોઈએ. નાનું બાળક નાનપણથી જોતું હોય છે કે કોણ તેની વાતો-વિચારોને મહત્ત્વ આપી ધ્યાનમાં લે છે. જ્યાં એના દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનું મૂલ્ય નથી ત્યાં પ્રશ્નો પૂછવાનું બંધ કરશે અને જ્યાં એના જવાબોનું મહત્ત્વ નથી ત્યાં જવાબ આપવાનું બંધ કરી દેતો હોય છે. ખુલીને વ્યક્ત થવાની મોકળાશ અને આદરની દ્રષ્ટિ બાળકના સ્વસ્થ વ્યક્તિત્વ ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
એક શિક્ષક કે વાલી તરીકે બાળકની ખામીઓને જોતાં રહેવાને બદલે તેની શક્તિઓને ધ્યાનમાં રાખવી જોઈએ. દરેક બાળકને અનન્યતાની દ્રષ્ટિએ જોવું જોઈએ. તેનામાં કશુંક તો કરી બતાવવાની ક્ષમતા રહેલી છે તેવો અતૂટ વિશ્વાસ તેનામાં જ્યારે મૂકવામાં આવે છે ત્યારે તે પોતાનામાં રહેલી સારી બાબતો ને શોધવામાં સફળ રહે છે.
કોઈપણ વ્યક્તિના જીવન ઘડતરમાં બાળપણનો તબક્કો ઘણો જ મહત્ત્વનો હોય છે. તે સમયના ભાવનાત્મક જગતની ઉથલપાથલની અસર આજીવન બાળકના વિચારો, પસંદગીઓ, અને વર્તણૂક પર પડતી હોય છે. એમાં પણ જો બાળક કોઈ દિવ્યાંગતા સાથે જન્મ્યું હોય અથવા તો કોઈ પ્રકારના માનસિક તણાવનું ભોગ બન્યું હોય ત્યારે તેના માટે દુનિયા અને સમાજની અપેક્ષાઓને સમજવી વધુ મુશ્કેલ હોય છે. આ તબક્કે બાળકના મનોજગતને સમજીને તેની જરૂરીયાતોને પોષતા રહી, તેને સ્વબળે પોતાની ઓળખને શોધવાની તક આપતા રહેવું કેટલું જરૂરી બની જાય છે. છેવટે શિક્ષક, થેરાપિસ્ટ કે વાલી તરીકે આપણો મુખ્ય ઉદ્દેશ તો ‘સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મસ્તિષ્ક’ નો વિકાસ કરવાનો હોવો જોઈએ. તો જ બાળક બાળપણ હર્ષોલ્લાસથી જીવશે, અને તેટલી જ પરિપક્વતાથી આવનાર જીવનમાં પડકારોને ખમીરતાથી જીવી જાણશે. બિનશરતી પ્રેમની હૂંફ અને સંવેદના જ છેવટે બાળકના જીવન ઘડતરના મુખ્ય ચાલકબળ બની રહેતા હોય છે.
– નામ: ક્રિષ્ના પટેલ
અનુસ્નાતક, મનોવિજ્ઞાન.
